Friday, December 12, 2008

કનસર્યા ગઢ...



(अधिक फोटोग्राफ्स के लिए, फोटो पर क्लिक किजिए ।)

આહવાથી સુબિર આસરે 30 કિ.મી. દૂર આવેલું છે. ત્યાંથી 12 કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૈદશ કે પૂનમની રાત્રીએ આ સ્થળે ઉજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા- અહીંના આદિવાસીઓનો બહુ મહત્વનો તહેવાર છે. ડાંગમાં આવા કુલ ચાર વધારે મહત્વના સ્થળો છે. કનસર્યા ગઢ, સેંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડઘિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઉમટી આવે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવ પત્ની પાર્વતી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઇ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઇ જાય અને એનું વર્ણન ક્યરેય ન કરી શકીએ એવો અનુભવ રહ્યો.
ખુલ્લા આકાશ નીચે, ચંદ્રની શિતળ ચાંદની, ઉમટેલા વિવિધ ગામોના ડેરાઓમાં રંધાતા ચોખા અને દાળની સોડમમાં, એમણે સળગાવેલા તાપણાઓ અને થોડું સમારકામ કરીને બનાવેલી થોડી થોડી જમીનમાં પગથિયાઓની જેમ સ્ટેજ જવું બનાવે. બાજુમાં રસાઇ માટે પથ્થરો ગોઠવીને તપેલાઓ ચડાવાયા હોય છે. મરઘા, બકરાં ને સાથે લાવેલ માલસામાન, ઓઢવા પાથરવાનું, દેશી વાદ્યોમાં પાવરી મુખ્ય, ડફલી, મંજીરા, વાંસનો પાવો- લાવ્યા હોય તે બધું વચમાં મુકવામાં આવ્યું હોય. ચાર પાંચ શેરડીના સાંઠાઓને ઊભા ત્રિકોણાકાર રાખીને કામ ચલાઉ સ્થાનક બનાવવામાં આવે. ચોખા, નાગલી ને બીજા ચાર-પાંચ ધાન્યની ઢગલીઓ દેવોના પ્રતીકરુપે એમાં સફેદ કપડાં ઉપર બિરાજે. લોટને ચીકવીને સરસ મજાના કોડિયા બનાવે ને એમાં પૂજા અર્ચના કર્યા પછી દીવો પ્રગટાવવામાં આવે. સિનિયર ભૂવો (ભગતજી) અને એમની હેઠળ તાલિમ પામતા જૂનિયર ભગતો આ સામગ્રી તૈયાર કરે. મહારાષ્ટ્ર અને ડાંગમાં આવેલા 60 જેટલા ગામો આ ગઢની સરહદમાં આવે છે. એ ગામોમાંથી આવેલ સંઘોની પરંપરાથી ચાલી આવતી જગ્યાઓ હોય છે. એ જગ્યાઓને સાફસુફ કરી એક રાત્રી પૂરતો ઉપયોગ કરવાનો હોય છે. એક બાજુ ભગતો દ્વારા રાત્રે થનારા પૂજનની તૈયારીઓ શરુ થાય અને બીજી બાજુ દેવની રજા લઇને રમવાનું શરુ થાય. ચારેક વિવિધ સ્ટેજ જેવી જગ્યામાં વિવિધ ગામની મંડળીઓ વિવિધ નૃત્યો, અંગ કસરતો અને હેરતજનક કાર્યક્રમો રજુ કરવા લાગે. ઓપન ફોર ઓલ જેવા નૃત્યોમાં કોઇ પણ જોડાઇ શકે તેવા વૃંદ પણ અખંડ નૃત્ય કરતા રહે. ગઇ રાત્રે પાંચેક હજાર જેટલી વસ્તી ત્યાં એકઠી થઇ હતી. નૃત્યો જોતા, નૃત્યો કરતા, ગમે ત્યાં મન થાય ત્યાં નાચવા લાગી જતાં યુવાનો, વૃદ્ધો અને બાળકોથી આખી તળેટી ઉભરાતી હતી. દર્શકો ઝાડ પર, ડુગરની કરાળો પર ચડીને ગોઠવાઇ નાચનારાઓને પોરસાવતા રહે, તંતુવાદ્યો અને અન્ય દેશી વાદ્યોનો એકધારો પ્રગટતો, વિરમતો અને બીજે જ ક્યાંકથી ઉભરી આવતો લય, દેકારા-પડકારા અને આનંદોદ્ગારો સાથે ભાવિક એવા કોઇને અચાનક આવતો વાયરોને શરુ થતું ધૂણવાનું...! આખોય માહોલ કંઇક અનેરી અનુભૂતિ કરાવનારો હતો. ત્યાં નહોતું કોઇ સરકારી રક્ષણ કે નહોતી કોઇ સંકલન કરનારી વ્યવસ્થા, બધાં સ્વયં શિસ્તથી, પોતાની મસ્તીમાં, કશી પણ અપેક્ષા વગર બસ નિર્ભેળ આનંદ લૂંટવામાં જ મસ્ત હતાં. મેં સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાતના અનેક મેળાઓ જોયા છે- તેનાથી સાવ જૂદો જ અનુભવ અહીં થયો. અહીંના આદિવાસીઓ શાન્ત છે, કોઇ કોઇનામાં ડખલ કરવામાં ઇચ્છતા જ નથી. કોઇ સગવડ કે લડાઇ-ઝઘડાની નાની સરખી ઘટના પણ આટલા બધા લોકો એકઠા થયા હોવા છતાં બને નહી તે કેટલી મોટી વાત...!
આ તહેવારની સાચી શરુઆત તો સુદ એકમથી જ થઇ જાય છે. ગામમાં કોઇ એક ઘરનાએ માનતા માની હોય તેના ત્યાં ડુંગરદેવનું સ્થાપન થાય છે. એક વખત સ્થાપના થઇ ગઇ એટલે એ ગામનો કોઇ વ્યક્તિ પછી પોતાના ઘરે સૂઇ ન શકે. એ ગામના બધા જ લોકો પેલા સ્થાપનાવાળા ઘરના ફળિયામાં ઘરમાં જ સુવાનું. બધા જ પુરુષો એટલા દિવસ એક ટાઇમ સાંજે અને તે પણ પેલા યજમાનના ઘરે જ જમે. ખેતિવાડી બધું જ એ દિવસોમાં સ્ત્રીઓ સંભાળે. સ્ત્રી અને પુરુષો એ દિવસોમાં સંયમ રાખે, બ્રહ્મચર્યનું ચૂસ્ત પાલન કરે એવા નિયમો છે. દિવસભર ગાયન-ભજન અને રાત્રે નૃત્યો ચાલે. લોક કંઠે જળવાયેલી અહીંની લોકકથાઓ, વાર્તાઓ આ દિવસોમાં જાહેરમાં કહેવાય. આ આખાય તહેવારમાં કેન્દ્રરુપ હોય છે અહીંના ભગતો. ભગત દ્વારા જે સાધના કરવામાં આવે છે એને રિકોલ કરવાનું, પ્રદર્શન કરવાનું અને નવી પેઢીમાં આરોપિત કરવાનું કામ આ તહેવાર દ્વારા કરવામાં આવે છે. સિનિયર ભગત ગામમાંથી 10-12 વર્ષના પોયરાને એની કેટલીક શક્તિઓના આધારે પસંદ કરે. એને પોતાની સાથે રાખીને ટ્રેનિંગ આપે, મંત્ર-તંત્ર અને દેવોના આહવાહન, મદદ વગેરેને લગતી બાબતો પેલા જુનિયરને શિખવે, ખાસ તો આદિવાસી પરંપરાગત કથાઓ, ગીતો, પ્રાર્થનાઓ, મંત્ર-વિધિઓ અને જડિબુટ્ટીના પ્રયોગો એને શીખવવામાં આવે છે. આ રીતે પુષ્ટ થતી પરંપરા નબળી ન પડે અને નવા નવા સંશોધનોની આપલે કરવા માટે ભગતો અહીં એકઠા થતાં હોય એવું લાગ્યું. એવા પંદર દિવસ ગામમાં પસાર કર્યા પછી પૂનમની રાત્રે આ ગઢમાં આવેલા ડુંગરદેવના સ્થાનકે જવા માટે દિવસે નીકળી પડે. કનસર્યામાં અમે 1.30 વાગ્યે બપોરે પહોંચ્યા ત્યારે ચાર પાંચ સંઘ આવી ગયા હતા. અહીં વહેલા પહોંચનારા ભગતને એ દિવસની પહેલી પૂજા કરવાનો હક્ક બનતો હોય છે. તેમ છતાં ત્યાં હુંસ્સાતુંસી કે સ્પર્ધા જેવું જોવા મળ્યું નહીં. અહીં વૃદ્ધ ભગતનું વર્ચસ્વ હોય ને જુનિયરો સેકન્ડરી હોય એવું પણ નથી. મોટા ભાગની પ્રજા લો પ્રોફાઇલ રહેનારી છે. બધું ધીમે ધીમે કશી પણ ઉતાવળ કે અકળામણ વિના ચાલ્યા કરે. જાણે બધું જ સ્વભાવિક અને પ્રકૃતિનાક્રમે જ હોય તેમ.
સફેદ કપડું, રુપિયાની નોટોના હાર, શણગાર, ભભકાદાર અત્તર, ફૂલો અને વૃક્ષોના પાંદડાઓથી સજાવેલો ઊંચો વાંસ એ નિશાન. ધજા અને પછી વિવિધ ભભકીલા ડ્રેસમાં નૃત્ય ગૃપો, સફેદ ધોતી પહેરણ અને લાંબા વાળમાં સજ્જ ભૂવાઓ, એમની સાથે અંગરક્ષક જેમ ફરતો જુનિયર ભગત- એના હાથમાં સાવ વિશિષ્ટ એવી ઘોડા સી કાઠી-(એક ડાંગની ઉપર લોખંડના સોયા જેવી પાંદડીઓ લગાવી હોય છે, તે જમીન પર પછાડીને અવાજ કરવામાં આવે. બધા હળે મળે, લોક બોલીમાં મજા-મસ્તી ચાલે. આવો મેળો હોય એટલે હવે છેલ્લા બે-ચાર વર્ષથી વેપારીઓ હાટ નાંખી દે છે એટલે ત્યાં મીઠાઇ, ફરસાણ, બોર અને વિવિધ ફળો પણ વેચાવા આવી જાય છે. સરકાર દ્વારા એક પાણીના હેન્ડ પંપનું ફિટિંગ કરવામાં આવ્યું છે. પાંચ હજાર જેટલા લોકો એક જ પંપથી પાણી ભરતા હોવા છતાં એક પણ છમકલું ય ન થાય એ તો મારા માટે મોટું આશ્ચર્ય જ હતું. કેમ કે , અમારું સૌરાષ્ટ્ર તો એ બાબતે જરાં પણ વાર ન લગાડે. અહીં કોઇને કંઇ પ્રશ્ન જ ન થાય.
લગભગ સાતેક વાગ્યાથી ડુંગર ઉપર આવેલા સ્થાનકે જવાનું શરું થઇ ગયું. અમે પણ સરસ જગ્ય શોધીને ગોઠવાઇ ગયા. નિરાંતવા ટહેલતા ટહેલતા સૌ સંઘ ઉપર આવવા લાગ્યા. બધા પોત પોતાની રીતે ગૃપ કરીને ગોઠવાતા ગયા. પાવરીના સૂર તો હવામાં અખંડ રેલાતા જ રહે પણ આ સ્થળે એના પરનું શિંગડું કાઢી નાંખવામાં આવે છે. કોઇપણ મૃત પ્રાણીનું ચામડું કે અવશેષ આ સ્થળે લઇ જવાની મનાઇ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં ત્યાં પાવરી સીવાય બીજા કોઇ જ અવજો આવતા નહોતા. ચંદ્રના પ્રકાશમાં આખુંય વાતાવરણ કોઇ દૈવી સભા મળી હોય એવું લાગતું હતું. સૌ ડુંગરદેવના ભવ્ય સાન્નિધ્યમાં અજીબ એવી આનંદસમાધિમાં જાણે લીન થઇ ગયા હોય ને કોઇ ચિતારાએ ચિતરેલું લેન્ડ સ્કેપ હોય એમ ચિત્રવત્ બની સૌ ગોઠવાતા જતાં હતાં. આ એક એવો અનુભવ છે જે ક્યારેય જાતે ગયા વિના સમજી જ ન શકાય. કલાક સુધી એ એકઠા થવાની ક્રિયા ચાલી. ત્યાર પછી કોઇ એક ભગતે બુલંદ અવાજે પૂછ્યું કે ‘સૌ આવી ગયા....?’ જવાબમાં હજી બે ત્રણ સંઘ બાકી હતા. એટલે વળી રાહ જોવાનું ચાલ્યું. કોઇ જ ચીડ નહીં. કોઇ જ ઉતાવળ નહીં. કોઇનેય એ વાતની ઇન્તેજારી પણ નહીં કે હજી કેમ નહીં પહોંચ્યા હોય. બસ મૂંગા મોઢે સૌ રાહ જોતા રહ્યાં. લગભગ આઠ-સવા આઠ વાગ્યે સૌ આવી રહ્યાં. પછી સૌ પહેલા આવનાર ભગતે ડુંગરદેવના સ્થાનક વાળી જગ્યાને વાળી, સાફ કરી સફેદ પાથરણું પાથર્યું. એના પર ચોખાની નાની નાની ઢગલીઓ કરીને લગભગ સો ઉપરની સંખ્યામાં દેવોનું આહ્વાહન કર્યું. દેવની રજા લીધી. અને પછી અહીંનો મુખ્ય વિધિ શરુ થયો. જ્યાં સૌ બેઠા હતા ગૃપ કરીને ત્યાં જ સૌએ એવું આસન બનાવ્યું ને પૂજા ચાલુ કરી. વૃક્ષોના કારણે ફેલાયેલ અંધારા હટી ગયા. ઉપર ચંદ્ર બમણા વેગથી પ્રકાશવા લાગ્યો. જાણે એ નીચે આવીને આ બધાની પૂજા વિધીને ધ્યાનથી જોતો હોય એમ તોળાઇ રહેલો ઉપર...! બધા સંઘની પૂજા પત્યા પછી દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા એટલે આખો ડુંગરો અને બેઠા હતા એ ખીણનું સૌંદર્ય ઓર ખીલી ઉઠ્યું. આંખો આશ્ચર્યથી ફાટી જ રહી જાય. નિરવ શાન્તિમાં ટમટમતા દીવડાઓ, એના પ્રકાશમાં ચિત્રવત્ બેઠેલા આદિવાસીઓ, લાંબાવાળ વાળા ભૂવાઓ, આંખો ફાડી ફાડીને જોતી નવી પેઢીના ટાબરિયાઓ, અમારા જેવા થોડાં આઉટ સાઇડરો, બધું જ લીન હતું. કોઇ મુખિયા નહીં. કોઇ સંચાલક નહીં. કોઇ જ માર્ગ દર્શક નહીં. સ્વયંભૂ પ્રેરણાથી જ કોઇ ઊભો થાય ને પછી ચાલે ગામોની હાજરી. એક બે વાર ગણતરીમાં ભૂલ પડી તો પણ કંઇ નહીં. ફરી ગણવાનું ચાલું. પછી શરુ થાય ભગતો દ્વારા ગવાતા નામોની યાદી. મને એમની ભાષા સમજાતી નહોતી એટલે વચ્ચે વચ્ચે કેટલુંક સંકલન થતું હતું એ સમજાયું નહીં પણ એમના બોલવામાં જે નામો હતા એ પરથી અને પછી અમારી સાથે આવેલા પ્રો. કાશીરામ ભોયે પાસેથી જાણ્યું તેમ દેશની વિવિધ નદીઓ, વિવિધ ગઢ, નગરો, ડુંગરોના વર્ણનો હતાં. સમગ્ર ભારત વર્ષમાં પથરાયેલા હિમાલયથી માંડીને બધા જ પર્વતો, બધી ન નાની મોટી નદીઓ, મોટા મોટા રજવાડાઓ, આદિવાસી ગઢ, મુખ્ય જંગલો, દેવો, દેવીઓ અને એ બધું જેમાં મળે છે એ વિવિધ સમુદ્રોના નામો લઇને તેમને યાદ કરવામાં આવ્યાં. આ બધું એક શ્વાસે, ચોક્કસ લયમાં, ચોક્કસ ક્રમમાં બોલવું, હાથ લંબાવીને બુલંદ અવાજે, ખીણોમાં પડઘાતા લય સાથે. સાથે ઘોડા સી કાઠીના હલકારે, ઠેસ લઇને જુનિયર ભગતના હોંકારા સાથે રજુ થતું. એટલા બધાં ભગતો બોલે તો આખી રાત નીકળી જાય એટલે વચ્ચે અટકાવવામાં આવે. છતાં એમનું અહમ્ ન ઘવાય. બીજો શરુ કરે. ને કલાકેક આ વિધિ ચાલ્યા પછી એક સમય એવો આવ્યો કે બે ભગતો સાથે ને પછી તો બધા જ ભગતો એ એક સાથે લ્હેકામાં એ ગાન શરું કર્યું. એટલો બધો કલશોર, વચ્ચે મુખ વાતે કરાતા અવાજોથી આખું ય આકાશ અને જંગલ ભરાઇ ગયું. આપણાં રુંવાડા ખડા થઇ જાય એવો થ્રિલ ભર્યો એ સમય હતો. એ દરમિયાન અનેક લોકો એક સાથે ધુણતા હતા, અનેક લોકો હાકોટા પડકારા કરતા હતા, એમની વિવિધ મુદ્રાઓ, એમના આગવા, ધ્યાન ખેચવાની સભાનતા સાથે થતાં ચિત્કારો ખરેખર કંઇક વિરલ જ અનુભવ કરાવનારાં હતાં. આવું પંદરેક મિનિટ ચાલ્યા પછી અચાનક એ ગાન પૂરું થયું. ને પછી આવે શ્રીફળ વધેરવાનો પ્રસંગ. અનેક શ્રીફળો વધેરાવાના અવાજો, એમાંથી ઉડતાં પાણીની સિકરોમાં આહ્લાદ લેતા લેતા પાછા વળવાનું શરું કર્યું. તળેટીમાં આવવા આ ઝાંખા અજવાળામાં પથ્થરો, ખાડ-ટેકરા, પાણીના ઝમતા ઝરણાથી સાચવતા સાચવતા નીચે ઉતરતા ગયા.
નીચે આવ્યા ત્યારે દસ વાગવા આવેલા. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. અમારા માટે કાશીરામભાઇ એમના ઘરેથી અહીંનું ડાંગી ભોજન લાવવાના હતા. થાળી, વાટકા હતા નહીં ને એની અહીં જરુર પણ નહીં. હાથમાં કે સાથળ પર નાગલીનો રોટલો મુકવાનો, સાથે બાફીને લાવેલા આળુ નામનું કંદ, એની છાલ ઉતારતા જવાની. સફેદ બટાકા જેવું લાગે, એમાં તૈયાર લાલ ખતરનાક તીખી ચટણી જરુર પ્રમાણે મિક્સ કરતા જવાની એને ચોળીને પેલા રોટલાની કોર કાપીને ખાવાનો. આ રીતે પહેલી જ વાર ખાધું. પણ એ સ્વાદ ખરેખર અજાયબ હતો. એકદમ કુદરતનો એ જીભે થતો સ્પર્શ અમને પરિતૃપ્ત કરતો ગયો. આ સીવાય વાલ અને ચણાનું શાક પણ હતું. પણ આજે તો બે પ્રકારના જે કંદ હતા એ- આળુ અને બીજા વરા- ને જ ખાવામાં રસ હતો. ભગવાન જાણે આ ફરી લ્હાવો મળે ન મળે...! અમારી સામે અનેક લોકો અવળા મોઢા રાખીને ગોળ ફરતાં ગોઠવાઇ ગયેલા, સામે સાગના ફાફડા પાન પર દાળ અને ભાતનું ભોજન લેવા. એક રોટલો પૂરો કરતા કરતા જ અમે ધરાઇ ગયા. બાજુમાં જ હાથ ધોઇ નાંખવાના. કશી જ એટિકેટ કે નિયમો અહીં હોતા નથી. બધું જ પ્રકૃતિનું છે. બધું જ પ્રકૃતિમય છે !
આ દરમિયાન પેલા નૃત્યો તો ચાલુ જ હતા. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સુવા લાગેલા. યુવાનો તો રાતભર સુવાના હતા નહીં. અમે આહવા આવવા સજ્જ હતા. ગાવા, વગાડવા અને નાચવાનું ચાલું હતું ને અમે નીકળી પડ્યાં. બહુ સારો નહીં પણ બાઇક ચલાવી શકાય એવા રસ્તા પર અમે રાત્રે પરત થવા દોડી પડ્યા ને અડધી રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતાં એ ડુંગરદેવના દીવડાઓ...! કશુય ચિત્તમાંથી હટે નહીં એવું છે.
આ દુનિયામાં આવ્યાનો ફેરો સફળ લાગે એવો અનેરો અનુભવ નસીબદારને જ મળેને...!

Thursday, December 4, 2008

ફિર સુબહ હોગી...!

દોસ્તો,
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં મોડો પડ્યો છું, પણ અંતરથી આપ સૌને નવા વર્ષની શુભ કામનાઓ.

હમણાં સતત ડાંગ બહાર રહેવાનું થયું એટલે ડાંગ વિશે કંઇજ લખી શક્યો નહીં. હવે સરસ મજાની ઠંડી ઋતુ શરુ થઇ ગઇ છે એટલે આપ સૌ એનો આનંદ ઉઠાવતાં હશો. અહીં ડાંગમાં ઠંડી નથી શરુ થઇ. અહીં હજી પણ એવું જ હુંફાળું વાતાવરણ ચાલી રહ્યું છે. ધીમો પંખો મજા કરાવે. વહેલી સવારે ફરવા નીકળો તો થોડો ઠંડીનો ચમકારો જણાય. વધારે નહીં.
આજથી અહીં એક સરસ ઉત્સવની શરુઆત થઇ રહી છે. આજે એનો પહેલો દિવસ છે. એ છે અહીંનો અત્યંત જિવન્ત એવો લોકોત્સવ - ડુંગરદેવની પૂજા. લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા આ તહેવારમાં આજે જે જે મુખ્ય સ્થળો છે એવા ગામોમાં ડુંગરદેવનું સ્થાપન કરવામાં આવશે. આવતી ચૌદશની રાત્રી સુધી વિવિધ વિધિઓ અને નૃત્યો યોજાશે. અહીંની આદિવાસી પ્રજા એમાં ગુલતાન થઇને મોડી રાત્રી સુધી નાચવા ગાવાનું અને ખાવા પીવાનું કરશે.
આવનારાં ગુરુવારે આ તહેવારનું સમાપન એકલા પુરુષો જ ડુગર પર આવેલા સ્થાનકે જઇને પૂજા અને બલિ ચડાવવાની વિધી કરશે. આ વખતે હું અહીં છું એટલે એ ઉજવણીનો દર્શક તરીકે લાભ લઇશ.
ડાંગનું જંગલ હવે સુકાવા લાગ્યું છે. ખાસ કરીને ડુંગરાઓના પથરાઓ પર સુક્કા ઘાસની બિછાત છવાવા લાગી છે. એમાંથી ડોકાતા પથ્થરો બહુ જોવા ગમે નહી, કેમ કે, હજી મહિના પહેલા જ એના અનુપમ સૌંદર્ય સાથે એ દેખાતા હતાં. પણ આ તો કુદરતી ક્રમ છે. આજે સુક્કું છે એટલે જ આવતી કાલ ઉગવાની છે.
દેશમાં પણ આજકાલ જે અરાજકતા ફેલાઇ છે એ કાળનું વલોણું તો નહીં હોય ને.. ? આપણને એમાંથી જ કંઇક નવી દિશા, કદાચ વધારે ઉજ્જવળ ભવિષ્ય મળશે. કદાચ આ ક્રાન્તિ પહેલાની પરિસ્થિતી છે. નકારાત્મકતા પણ એક હાઇટ પર પહોંચ્યા પછી વેરાઇ જતી હોય છે. ભારતમાં ક્યારેય લોહિયાળ ક્રાન્તિ ક્યાં થઇ છે..? હંમેશા ધીમી અને મક્કમ ક્રાન્તિઓ જ થઇ છે. આખો માહોલ બદલાશે.. એવું મને આ જંગલો કહી રહ્યાં છે. એમાં ઘણીવાર કુદરત તો ઘણીવાર પ્રાણી-પશુઓ (આપણે પણ એમાં જ આવી ગયા ભાઇ) દ્વારા અનિષ્ઠ ફેલાતું હોવાનું જણાય પણ પાછું એ તો એના નિજાનંદી રુપમાં મસ્ત બની રહે છે. બધાં જ પ્રકૃતિ તત્ત્વો આ જ તો શીખવે છે.
આતંક વધુ નહીં ટકે,, ફિર સુબહ હોગી...!