Wednesday, October 21, 2009

મિત્રો,
નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ.
છેલ્લે ઘણાં મહિના પહેલા બ્લોગ પર પોસ્ટ મુક્યા પછી આજે સમય ફાળવી શકું છું. એનું કારણ પણ છે. આ સમય ગાળા દરમિયાન મોટાભાગે ગાંધીનગરમાં જ રહેવાનું બન્યું. ડાંગમાં જવા-આવવાનું થતું રહેતું પણ મે મહિનાથી પાછી બદલી અમદાવાદ ખાતે થઇ ગઇ એટલે ડાંગ છૂટી ગયું.
ત્યાં હતા ત્યારે જે ડાંગની છબિ ચિત્તમાં આકારિત થતી હતી તે અને હવે ત્યાંથી સાવ છૂટી ગયા પછી જે રૂપે ડાંગ ચિત્તમાં આવે છે તેમાં ખાસ્સો ફરક છે. હવે માત્ર સ્મૃતિઓ છે. વચ્ચેથી બહુ ઘન ન કહી શકાય એવું ચોમાસુ પસાર થઇ ગયું. આ વખતે ગુજરાત જ નહીં ડાંગમાં પણ વરસાદ ન પડ્યો તેમ કહી શકાય એટલો ઓછો વરસાદ રહ્યો. સ્વાભાવિક જ ડાંગના જંગલો, જનજીવન પર એની અસર પડવાની છે આ વર્ષે. ત્યાંના કેટલાક મિત્રો સાથે ફોનથી સતત સંપર્કમાં રહી શક્યો છું. રૂબરૂ જવાના પણ બેએક પ્રયાસ કર્યા પણ મને લાગે છે કે એટલું આસાન નહીં રહેત ત્યાં જવું. અહીંની દોડધામ ભરી જિંદગી જાતે જ સ્વીકારી છે એટલે ફરિયાદોનો કોઇ અર્થ નથી. પણ ડાંગ સતત અંદર ધબક્યા કરવાનું છે એ પણ હકીકત છે. તન્વીએ ત્યાં લીધેલી સેંકડો તસવિરો, અઠવાડિએ બે વાર કરેલી પિકનિક્સ, બાઇક પર કરેલી લાંબી સફરો અને મિત્રો, ત્યાંના સ્થાનિક મિત્રો સાથે ગાળેલો દિવસ કદાચ ક્યારેય પાછો નહીં આવે... એ રૂપે તો નહીં જ....
છતાં વર્ષમાં એક વાર તો ડાંગ જવું જ પડશે એ નક્કી છે....
ડાંગ વિશે મેં લખ્યું છે એ અવાર નવાર આ બ્લોગ પર મુકતો રહીશ.
નરેશ શુક્લ