Thursday, October 16, 2008

પરંપરા દિવસ- સાપુતારા

મિત્રો,
તા.14 અને 15 ઓક્ટોબર 2008ના રોજ ગુજરાતના ખ્યાતનામ ગિરિમથક સાપુતારામાં આદિવાસી અકાદમી, તેજગઢ અને ગુજરાત સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે પરંપરા દિવસની ઉજવણી અને ભાષા કેન્દ્રી પરિસંવાદ યોજાયો હતો. આહવાની સ્ટેટ બેંકમાં ફરજ બજાવતાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાહ્યાભાઇ વાઢુ અને પ્રા. વિક્રમ ચૌધરીએ આખાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ તથા લોક કલાકારો એમ કરીને કુલ બસોથી ઉપરની સંખ્યામાં ત્યાં એકઠા થયાં હતાં. વિલિન થતી જતી આદિવાસી ભાષા, સાહિત્ય અને મૌખિક પરંપરાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી. મુખ્ય ધારાના પ્રભાવ હેઠળ સદીઓ જૂની આ મૌખિક સાહિત્યની પરંપરા લૂપ્ત ન થઇ જાય તે માટે મથતાં ડો. ગણેશ દેવી, કાનજી પટેલ, અશોક ચૌધરી, ડાહ્યાભાઇ વાઢુ, વિક્રમ ચૌધરી, બાબુભાઇ ગામીત, જેવા વિદ્વાન, જાગૃત સંશોધકો, સંપાદકો અને સંવર્ધકોએ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી. બીજા રાજ્યમાંથી આવેલા ભાષાશાસ્ત્રી ડો. સુખચન્દાનીના વિચારો વધારે સ્પષ્ટ, અનુભવસિદ્ધ હતા. સાહિત્ય પરિષદે નગર છોડીને છેવાડાના જન સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે એ આ કાર્યક્રમથી સિદ્ધ થતું હતું. જો કે, મુખ્ય સાહિત્યકારોની ગેરહાજરી પણ વર્તાતી હતી. તેમ છતાં રાજેન્દ્ર પટેલ, પ્રમુખશ્રીની અવેજીમાં પધારેલા વયોવૃદ્ધ અને પ્રસિદ્ધ કવિ-લેખક શ્રી ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, જનક નાયક હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ મને લાગી હોય તો તે હતી ત્રણેક બેઠકોમાં રજૂ થયેલી આ પ્રદેશની પરંપરાગત વાર્તાઓ. હાવભાવ સાથે, લોક લ્હેકામાં, થોડા અભિનય સાથે, અવાજના વિવિધ આવર્તનો અને આરોહ-અવરોહ સાથે રજૂ થયેલી કોંકણી, ગામીત અને ચૌધરી બોલીની વાર્તાઓ. એમાંય મનોજભાઇ ચૌધરી (વેડછી)એ તો રંગ રાખ્યો. એક લોક-વાર્તા અને એક લિખિત પરંપરાની વાર્તાઓ રજૂ કરવામાં આવી. એના પર પછી આછી પાતળી ચર્ચાઓ પણ કરવામાં આવી. જો કે, સ્વભાવિક જ સૌને એ પરંપરાને સાચવવાની ઇચ્છા હતી પણ સ્પષ્ટ માર્ગ નહોતો. એને લિપિબદ્ધ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ છે જ. એને ઓડિયો-વિઝ્યુઅલમાં જ સાચવી શકાય- એવું મેં સૂચન કર્યું હતું. બાકી બદલાવને અટકાવવો શક્ય નથી. નવી પેઢી બેદરકાર છે કે નહી એ જોવા કરતાં એ કઇ રીતે વર્તમાનમાં ય શ્વસી શકે તે જ વિચારવા જેવું છે. મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે ડાયરાઓ, ગરબા અને અન્ય પ્રસંગોએ સાચવવાની મથામણ છે એવી સભાનતા આ પ્રદેશમાં ઓછી છે. એ જગવવા જેવી છે. ડો. દેવીએ પોતાના ઉદેશો સ્પષ્ટ કરતાં કહ્યું કે ભારતમાં આસરે 1500 જેટલી ભાષાઓ એવી છે જેને બોલી ગણીને માર્જિનાલાઇઝ્ડ કરવામાં આવી રહી છે. કરોડ ઉપર બોલનારાંઓની સંખ્યા ધરાવતી આદિવાસી બોલીઓને સંવિધાનમાં સ્વીકાર કરાવવાથી જ આઝાદ દેશમાં આદિવાસીઓને નાગરિકત્વ મળ્યું ગણાશે.
એમને એમની માતૃભાષામાં શિક્ષણ મળે.. આદિવાસી યુનિવર્સિટીઓ હોય, એમને ભલે લિપિ કોઇપણ આપો પણ ભાષા તો સાચવવી જ પડે.વગેરે વગેરે.. બધાં જ આદર્શોને વાસ્તવમાં પલટવા સહેલા નથી હોતા, વળી ઘણીવાર સાચા પણ નથી હોતા. કંઇક નવા વાડા રચાય તેવું પણ બને. ખેર, ડો. સુખચન્દાનીએ પોતાનો અનુભવ કહ્યો કે હું 22 વર્ષનો હતો ત્યારે પત્રકાર હતો અને આ જ રીતે સિંધી ભાષાને દરજ્જો આપાવવાના આંદોલનમાં સક્રિય બનેલો. અમને પણ હતું કે કેન્દ્ર સરકાર સિંધી ભાષાને સત્તાવાર ઘોષિત કરશે એટલે સિંધિઓનો વારસો સચવાશે. પણ આજે આટલા વર્ષે મને લાગે છે કે, એવું નથી થયું. કેટલાક લોકો ચોક્કસ ઉપર ઊઠી આવ્યા આ આંદોલનમાંથી, બાકીનાની હાલતમાં કોઇ ફેર નથી. સૌ પોતાના ચૂલા સળગાવીને બેઠા હોવાનું દેખાયું છે મને. એટલે મને લાગે છે કે, આવી માગણીઓ કરતાં આત્મવિશ્વાસ જાગે, આપણે જ આપણું ગૌરવ કરતાં થઇશુ તો આપો આપ સૌ સ્વીકાર કરશે..
જો કે, જે કિનારો છોડે છે એને જ ક્યારેક ક્ષિતીજ સુધી પહોંચવા મળે છે. એ ય હકીકત છે. દસ-બાર વર્ષથી ડો. દેવી અને એમના સહમિત્રો મથી રહ્યાં છે, ફળ તો ચોક્કસ મળશે. જો કે, એમના ફળ છેવાડાના જન સુધી પહોંચે ત્યારે જ સિદ્ધિ ગણાય.
સામે એ પણ હકીકત છે કે ઘોડાને તળાવ સુધી લઇ જઇ શકાય. પાણી ન પીવડાવી શકાય. જો એને તરસ ન હોય તો. આશા રાખીએ કે સામાન્ય કે છેવાડાના કહીએ છીએ એ જનને પણ તરસ લાગે. હોંશ જન્મે અને દોડવાનું નહીં તો ચાલવાનું ય શરુ કરે.. જો કે, એ માટેનું વાતાવરણ સર્જવાની આપણી સૌની ફરજ છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જન્મશે તો અવશ્ય આદર્શો વાસ્તવમાં પલટાશે. વિકાસ પણ કેટલાકનો નહીં, સમુહનો થશે.
અન્યથા,
એક ઔર કારવાં ચલ પડા હૈ...

Friday, October 10, 2008

સ્હાલેર ગઢને મેળે...

દોસ્તો..


કેટલાક દિવસો પછીથી જિંદગીભર યાદ રહી જાય એવા હોય છે. એને ચૂકી ગયા હોત તો હવે જે સંભારણાની મૂડી બની રહેવાનો છે એ તક ચૂકી ગયા હોત. આમ તો ગયા અઠવાડિયામાં લપસી જવાના કારણ પગે થોડી મોચ આવી ગયેલી તે પાટો બાંધીને ફર્યો અઠવાડિયું. પછી થોડું થોડું ચલાતું થયું, દશેરાના દિવસે સ્હાલેર જવું એ તો વિચારેલું પણ આવી હાલતમાં જવાશે કે નહીં એ શંકા હતી. વળી ચાર-પાંચ દિવસથી ડાંગમાં વરસાદે એનો છેલ્લો રાઉન્ડ શરુ કરી દીધો છે. ભયાનક ગાજ-વીજ અને તોફાની વરસાદે આહવામાં લાખો રુપિયાનું નૂકશાન તો કર્યું જ પણ કેટલાય વૃક્ષો પાડી દીધા, છાપરાંઓ ઊડાવ્યા, લોકોને ઘાયલ પણ કર્યા... આવી સ્થિતીમાં અહીંથી પચાસ ઉપરના કિલોમિટરે આવેલ આ દુર્ગમ જગ્યાએ જવાય તેવી શક્યતા ઘટી ગઇ હતી પણ મનથી મક્કમ હતા કે જવું જ...


મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલું આ સ્થળ પહોંચવા માટે ખાસ્સો શ્રમ કરાવે પણ હવે ડામરિયા રોડ નવેસરથી સરસ બની રહ્યાં છે એટલે આવનારાં દિવસોમાં ત્યાં જવું વધુ સરળ બની જવાનું છે. અમે વહેલી સવારે જ આહવાથી નીકળી ગયેલા. બે અઢી કલાકની મુસાફરી કરી ત્યાં પહોંચ્યા ત્યારે જ અદ્ભુત અને અવર્ણનિય ભવ્યતા જોઇ તે કેમેરામાં ઝીલવી પણ શક્ય નથી. આંખો જ જોઇએ ને એ તો આપો આપ ફાટી જ રહી જાય...


આ પર્વતો એવા ને એવા જ ઊભા છે એના આદિમ રુપમાં. એના સાવ વિશિષ્ટ આકારો અને ઊભી કરાળો જોઇને એક બાજુ થથરી જવાય ને બીજી બાજુ એના એનુપમ સૌંદર્યને જોઇને કુદરતની ભવ્યતાનો સંસ્પર્શ પામ્યાની અનુભૂતિ અનવદ્ય કરી દેનારી છે. અમે સવારે નવ વાગ્યે ઉપર ચડવાનું શરુ કરી દીધું ત્યારે કેટલાક સ્થાનિક લોકો હાથમાં મોટી મોટી ખાવાની કાકડી (સાકરટેટી જેવી પણ આકારમાં લાંબી અને દુધી જેવી) ખભે નાંખીને ઉપર પ્રસાદ તરીકે ધરાવવા અને વચ્ચે ભાથા માટે લઇને જતાં હતાં. આ પણ અહીંની પરંપરા છે. એ દિવસે ઠેરઠેરથી કાકડીનો ખડકલો ત્યાં થાય છે. આ સીવાય કોઇ શ્રીફળ અને સાકરિયાનો પ્રસાદ પણ લઇ જતાં હતાં. કેડી ઉપર પાણી રેલાતું હતું એટલે ચીકાશ ખૂબ, ડગલે ડગલું ધ્યાન રાખીને ચાલીએ તો પણ અમારા આખા ગ્રૃપમાંથી લપસવામાં લગભગ કોઇ બાકી રહ્યું ન હતું. જો કે, સદ્નસીબે કોઇને વધારે ઇજા ન થઇ કે વધારે લપસીને ખીણમાં ન પડ્યા એટલે નસીબદાર તો ખરાં જ. જો કે આ સ્થળે જવા મળ્યું એ જ નસીબની વાત હતી અમારા માટે.

વચ્ચે કમાન અને કિલ્લા જેવું બાંધકામ આવે છે ત્યાં સુધીનો પહેલો તબક્કો વધારે આકરો અને મુશ્કેલ છે. પછીથી ખાસ્સો મોટો પટ સપાટ અને સરસ મજાનું મેદાન જેવું છે. ત્રણ બાજુએથી કમાન આકારના આ પર્વતની વિશેષતા એ છે કે એ સ્ટેજ જેવા બે તબક્કામાં વહેંચાઇને ઉપર ચડવા મથતાં આપણાં જેવાને વચ્ચે પોરો ખાવાની તક આપે છે. જો કે સાવ ઢાળ ઉપર પણ ગાયો, ભેંસો અને બકરાઓ નિરાંતે ઘાસ ચરતા હતાં. આટલી ઊંચાઇએ એમને જોઇને પ્રશ્ન થાય કે એમને નીચે ગબડી પડવાની બીક નહીં લાગતી હોય. જો કે સ્થાનિક નિવાસીઓ પણ જે ગતિથી ઉપર ચડ-ઉતર કરતા હતાને હસતા-કૂદતા જતા હતા તે આશ્ચર્યજનક હતું. આ પ્રવાસનું વર્ણને કરી શકતો નથી કેમકે, અધુરું જ લાગે છે. વધારે મજા તમને એના ફોટોગ્રાફ્સ જોઇને જ આવશે.

Friday, October 3, 2008

ડાંગી ભોજન...

ડાંગમાં કયા પ્રકારનું ભોજન લેવાય છે ? એવો પ્રશ્ન ઘણીવાર કેટલાય મિત્રોએ કરેલો.
અહીંના લોકોમાં મિશ્રાહાર પ્રચલિત છે. એમને વન, પર્વતો અને નદી જે કંઇ આપે છે તે ખાય છે.
નાગલી, મકાઇ, ચોખા, શાક-ભાજી, વેલા-પાંદડા, જેવો શાકાહાર ઉપરાન્ત મરઘાં, બકરાનું, કોળ અને પક્ષીઓ પણ ક્યારેક ખોરાકમાં લે છે. જો કે સામાન્ય રીતે ઇંડા,નદીની માછલી, કરચલા ખાય છે. !

આમ તો, અહીંના રુટિન ભોજનમાં હવે જમાનાના બદલાવની સાથે ઘણો બદલાવ આવી ગયો છે. છતાં નાગલીના રોટલાનું સ્થાન અકબંધ છે. આ ઉપરાન્ત ચોખાના રોટલા પણ હજી એટલા જ ખવાય છે. એ બે રીતે બનાવવામાં આવે છે, એક પાતળા ને કંઇક અંશે ઢોંસાને મળતા આવે એવા અને બીજા જાડી રોટલી જેવા રોટલા. આ ઉપરાન્ત અહીં જુવાર અને ઘઉંનું ચલણ પણ થોડું થોડું છે. એની સાથે લસણ અને ડુંગળી-મરચાંની ચટણી. શાક ઓછા ખવાય છે અને જે ખવાય છે તેમાં તેલનો ઉપયોગ નહિવત્ હોય છે. જંગલી અને સાદા કંદનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જંગલી કંદની એ વિશેષતા છે કે એ એમ જ ખાવામાં કડવા અને ઝેરી હોય છે પણ એને બાફીને રાત આખી વહેતા ઝરણાંની પાણીમાં ઝબોળી રાખવામાં આવે એટલે એની કડવાશ અને ઝેરી અસર જતી રહે ..! ત્યાર પછી એ ખાવા યોગ્ય બને છે.. સાદા કંદનું તો બટાટાની જેમ જ શાક બનાવવામાં આવે છે.

નાગલીની સાથે પ્રચલિત છે ભૂજીયુ.

આ ભૂજીયુ- એ પહેલી નજરે પ્રચલિત ભજીયા હોવાની અપેક્ષા જન્માવે પણ એવું નથી. અડદને બરાબર શેકીને એને દળવામાં આવે છે. એના લોટમાં લસણ-મરચાંની ચટણી ઉમેરીને એને બરાબર ઘૂંટવામાં આવે છે. એને અહીં ભૂજીયાના નામે ઓળખવામાં આવે છે. એના કેટલાક સિદ્ધહસ્ત લોકો હોય છે તેના હાથનું ભૂજીયુ અનેરો સ્વાદ આપે છે.

ડાંગમાં સાગની સાથે જ ફૂટી નીકળેલા વાંસનું બહુ મહત્વ છે. વાંસના ઉપયોગો તો કેટલા બધા છે. પણ વાંસનો સાવ નવો અને આપણે ભાગ્યે જ એવો ઉપયોગ વિચાર્યો હોય તે છે વાંસદીનું શાક. એના અથાણાં પણ હવે તો બજારમાં મળવા લાગ્યાં છે. લીલાં કૂમળા વાંસના કોંટા ફૂટે એ એકદમ સોફ્ટ હોય તેને વનવાસીઓ તોડી લાવે છે. છીણી કે કટકા કરીને કૂકરમાં બરાબરના બાફવામાં આવ્યા પછી એ ખાવા લાયક બને છે. એમાં પણ પેલી અહીંની ચટણી ભેળવે એટલે પંજાબી પનીરનું શાક ખાતા હોય એવો અવર્ણનીય આનંદ મળે. એની સાથે ચોખાના રોટલો, કાકડી-ટમેટા અને દેશી ચોળીના દાણાનું સલાડ...!

આહવાથી પંદરેક કિલોમિટર દૂર ચીકટીયા કરીને ગામ છે, એના પડખામાં આવેલ ગર્ય કરીને નાનકડાં કસબામાં યસુભાઇ અને કુસમબેનનો નાનકડો મજાનો પરિવાર રહે છે. નાની ખેતી, નાનું ઘર, માપસરનું ભણતર ને મોટું જીવનઘડતર પામેલા આ પરિવારમાં ભળી જવાયું છે બે ત્રણ વખતની મુલાકાતમાં જ. એક બાજુ નદી વહે છે, ફરતાં વાડી-ખેતરો લ્હેરાય છે, ઘરમાં દાડમ, કેળા, ફણસ, કાકડી, કારેલા, કાકડી, કંદ, બીજા શાકના વેલાઓ છવાયેલા છે. ગાય અને ભેંસ, દોડાં દોડ કરતાં મરઘાં અને પીલ્લાઓ, એક બીલાડો નામ છે રાજા..! એની જોડી હતી પણ ગયા અઠવાડિયે જ એમની ઓસરી સુધી આવીને રાત્રે એક દિપડો એને ઊઠાવી ગયો. યસુભાઇ લાકડી લઇને થોડું પાછળ પડ્યા પણ એ દીપડો પોતાના શિકારને એમ આસાનીથી થોડો છોડી દે..! એટલે જોડી થઇ ગઇ ખંડિત.
એમને ત્યાં બેસીએ એટલે ઘણાં લોકોનો સંપર્ક થાય કેમકે, સાઇડ બિઝનેશ તરીકે નાનકડી હાટડી પણ ચલાવે છે. આજુબાજુના લોકોની જરુરીયાત મૂજબની ચીજ-વસ્તુઓ ત્યાંથી મળે. પચાસ ગ્રામ તેલ કે પાંચ-દસ ચમચી ચાની ભૂકી લઇ જતાં ગરીબ નિવાસીઓને જોઇને અહીંનો સાચો ચિતાર મળે..! નાનાં નાનાં બાળકો બીડી, તમાકુ ને પડીકીઓ લેવા આવતા હોય., એમનું જીવન કુદરતની નજીક છે ને સાથો સાથ માનવોએ સદીઓથી અર્ચીત કરેલી બદીઓની પણ એટલા જ નજીક છે.
વાંસદીનું શાક ને ચોખાના રોટલાનો સ્વાદ અપૂર્વ હતો. એમણે જે પ્રેમથી જમાડ્યા એ પણ યાદગાર રહેશે.
એમની ભાષાનો લ્હેકો અને ઓછા શબ્દોમાં ય સૂચવાતો આતિથ્ય ભાવ આપણને હ્યદયમાંથી ક્યારેય નીકળી શકે નહીં એવો મજબૂત હોય છે...!
ઘરે જવા પાછા ફર્યા ત્યારે અંધારાઓ ઉતરી રહ્યાં હતા. ડુંગરો શાન્ત થઇ ગયેલા ધ્યાનમાં ગરક થવા જતાં હોય તેમ.
ક્યાંક ક્યાંક આગીયાઓ એમની લાઇટ ઝબકાવી જતાં હતા ને હુમલો કરવા સામા ધસી આવતાં કિટકોનો તો અહીં પાર જ નથી. બચવું મુશ્કેલ છે..! પણ મજાનું છે.