Monday, September 29, 2008

સાલેરની સફરે...

મિત્રો,
નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. લગભગ દરેક ગામમાં મકાઇના પૂળાને છત્રી આકારમાં ગોઠવીને માતાજીના સ્થાપન માટેની તૈયારીઓ ચાલી રહી છે. ક્યાક ક્યાંક રોશની પણ કરવામાં આવી છે. નવરાત્રી એ સીધો અહીંનો તહેવાર નથી. એ આ વર્તમાન સમયની દેણ છે. વળી નવરાત્રીમાં પ્રચલીત ગરબા પણ અહીં નથી. એના બદલે અહીંના સ્થાનિક નૃત્ય અને મરાઠી શૈલી વધારે જોવા મળે છે. મોડી રાત સુધી ઢોલને તાલે નાચતાં નહીં પણ ઝૂમતાં લોકોને જોવા એ પણ લ્હાવો બની રહેવાનો.
નવરાત્રી તો ખરી જ પણ અહીંનો એક વિશિષ્ઠ તહેવાર નવરાત્રી સાથે જોડાયેલો છે એ છે સાલેર પર્વત પરના માતાજીનો મેળો. એ પર્વતની સુંદરતા જ કંઇક અનુપમ છે. ખાસ્સુ મુશ્કેલ ચઢાણ ચડીને ત્યાં પહોંચવાનું છે. હું ઉત્સુક છું એ માટે. એમાંથી પરત આવીશ એટલે ફોટોગ્રાફ્સ વડે વધારે વિગતે એની માહિતી આપીશ.
આ વર્ષે આનંદ એ વાતનો છે કે હું લાઉડસ્પીકરોના ઘોંઘાટથી દૂર છું. આખી રાત તણાતાં રાગડાઓ અને દેખાતા વરવાં દૃશ્યોથીપણ દૂર રહેવા મળશે. આખું ગુજરાત હિલ્લોળે ચડશે ત્યારે શાંત એવી શક્તિ-ભક્તિના આ માહોલમાં રહેવાનો મોકો મળશે.
આજે આટલું બસ..

Friday, September 26, 2008

મજા મજા છે...!

કેમ છો દોસ્તો ?
હમણાં ઘણાં સમય પછી ડાંગ વિશે વાત કરવાની તક ઊભી થઇ.
હવે વરસાદ પડી ગયો છે આ વર્ષનો. હવે વધારે પડવાની આશા અહીંના લોકોમાં નથી. જોકે જાણકારો કહે છે કે હજી નવરાત્રી પહેલા કે પછી એક રાઉન્ડ બાકી છે. એ ધોધમાર પડશે ને ડાંગમાં જે કંઇ થોડી સુસ્તી આવી છે એને પાછી હણી લેશે.
નદીઓમાં પાણી વહી રહ્યાં છે. જો કે, આરંભનો ઉછાળ થોડો ઓછો થયો છે. નદીમાં પાણીની લાલાશ પણ ઘટી છે. સ્થાનિક નિવાસીઓએ જે જગ્યા મળી ત્યાં થોડું ઘણું વાવેતર કર્યું છે એ હવે લ્હેરાવા લાગ્યું છે. ખાસ કરીને નાગલી, જુવાર અને મકાઇના પાક લહેરાઇ રહ્યાં છે. ઘાસ પણ ખાસ્સુ આકર્ષણ ઊભું કરી રહ્યું છે. જીણી જીણી અજીબ એવી જીવાંતોનો પાર નથી. રાત્રે એમનો કલશોર સાંભળવાનો એક અનેરો લ્હાવો હું આજ કાલ લઇ રહ્યો છું.
રાત્રે ચિત્કારીને બોલતાં અજાણ્યાં જ જીવડાના અવાજથી વાતાવરણ ડરામણું થઇ જાય છે. જંગલોમાંથી ઊઠતા અવનવા ને પહેલા નહીં સાંભળેલા અવાજો આ ટેકરીઓની વચ્ચે પડઘાય છે. આ પડછંદાઓ નિદ્રાધિન માણસને તો વિશેષ નથી સ્પર્શતા પણ જો એને જાગીને જાણીએ, માણીએ તો એનું એક નવું જ રુપ આપણી સામે આવે છે. એનું વર્ણન કરવું શક્ય નથી.
માનવ જીવન એવું ને એવું જ સુસ્તીસભર, અલસગતિએ ચાલી રહ્યું છે. અહીં ખાસ કંઇ બનાવો બનતા નથી અને જે બને એ અહીંના અફાટ વિસ્તારમાં ક્યાં લોપ પામે છે એનો ય ખ્યાલ આવતો નથી.
બસ મજા મજા છે.
Naresh Shukla

Thursday, September 4, 2008

નવાપુરના રસ્તે...

હલ્લો દોસ્તો,
ડાંગના ચોમાસાના આરંભની તસ્વીરો તમે જોઇ. હવે તો ચોમાસુ એના મધ્યભાગમાં છે ત્યારે ડાંગમાં અત્યાર સુધીમાં 60-70 ઇંચ વરસાદ પડી ગયો છે. બધાં જળાશયો બરાબરના ભરાઇ ચૂક્યાં છે. જો કે, સરેરાશની રીતે જૂઓ તો હજી અડધો વરસાદ પણ નથી પડ્યો. પણ મેં લગાતાર 18 દિવસ સુધી ચાલેલો વરસાદ અહીં જોયો. આખો દિવસ બસ વરસ્યા કરે..! ઘડીમાં અતિશય ધોધરુપે તો ઘડીમાં ઝરમરઝરમર થતો. આહવાના મકાનો વાદળોમાં ગરકાવ છે. ખીણો ઊપર નજર નાંખીએ તો કશુ દેખાય નહીં કેમ કે, વાદળાઓથી આખી ખીણ ભરાઇ ગઇ હોય ! વિનેશ અંતાણીના નિબંધો યાદ આવી ગયા.! એમણે શીર્ષક આપ્યું છે ધૂન્ધભરી ખીણ.. અહીં અત્યારે સતત એ માણવા મળે છે.
આખુંય જંગલ અત્યારે હરિયાળું બની ગયું છે. પર્વતોમાંથી નિતરે છે પાણી, ઝરણાંઓ રુપે ખળ ખળ વહેતું નદીઓમાં મળે છે. નદીઓ પૂર યૌવનમાં વહી રહી છે. સપાટ ભૂમિ પર જો આટલો વરસાદ હોય તો ઘરની બહાર પગ મુકવો ય ભારે થઇ પડે પણ અહીં એવું નથી. અહીં તો રુટિન મુજબ બધાં વ્યવહારો ચાલું છે. કેમકે, સૌ ટેવાયેલા છે ભારે વરસાદથી.. વળી પાણી આ ઢોળાવોમાં ટકતું નથી. વહી જાય છે તરત જ એના પિયર એવા સમુદ્ર તરફ..!
ગયા સપ્તાહમાં ભારે વરસાદ ચાલુ હતો ત્યારે નક્કી કર્યું કે, અત્યારે ગીરા ધોધ જોવા જઇએ..
આ નિર્ણય અમને જીવનભર યાદ રહી જશે..! ગીરાધોધનો વિશાળ પટ પાણીના કેવા મોટા ફ્લો સાથે વહેતો હતો ને જે નાદ જન્મતો હતો એ અકલ્પનિય છે. એના વિશે વર્ણન કરવું અશક્ય છે એટલે તસ્વીરો જ એ કામ કરી શકેશે તેમ માનીને વધું કામ તસ્વીરોને જ સોંપું છું.
આખોય રસ્તો અદ્ ભુત એવું કમનિય રુપ ધરી બેઠો છે. અહીંના સ્થાનિક લોકો આ વરસાદમાં ખુશ છે, કેમકે હવે ભાત (ડાંગર)ની રોપણી થઇ શકશે. ઠેર ઠેર ઉલ્લાસ નજરે પડે છે. એવામાં નાગપંચમી અહીંનો વિશિષ્ટ તહેવાર અત્યારે ઉજવાઇ રહ્યો છે. નાગપંચમીના રોજ અહીંના ભોપાઓ દ્વારા નાગદેવતાને મરઘીનું ઇંડું ફોડીને પીવડાવવાની વિધિ કરે છે. નવા નવા બનનાર ભોપા(ભૂવા)ઓને દિક્ષિત કરવાની વિધિઓ ચાલે છે. છેક દિવાળી સુધી ચાલનારી વિધિઓની આ શરુઆતનો દિવસ. સદીઓથી ચાલી આવતી આ પંરંપરા હજી પણ એટલી જ શ્રદ્ધાથી ચાલે છે..!
અહીંના મુખ્ય દેવતાઓ છે પર્વતદેવ, કણસ્યાદેવી(કાનેસરી દેવી-કૂંપળ),પાનદેવ, નાગદેવ,વાઘદેવ અને હનુમાન તથા મહાદેવ. જંગલોમાં, પર્વતો ઉપર એમના સ્થાનકો છે. સૌરાષ્ટ્રમાં પાળિયાઓ ઊભા કરાય છે તે પ્રકારે પથ્થરોને કોતરી, રંગીને આ દેવોના સ્થાનકો ઊભા કરવામાં આવ્યાં છે. પરંપરાગત ભારતીય મંદિરો તો હવે ક્યાંક ક્યાંક મોટા ગામ કે બે જે શહેર કહી શકાય ત્યાં જ છે બાકી, વનવાસીઓના દેવો ખરા અર્થમાં વનવાસી છે..! અને વનજીવન સાથે સંકળાયેલી કથાઓનો આગવો વૈભવ ધરાવે છે આ દંડકારણ્ય.