Tuesday, August 26, 2008

The Dangs















ગુજરાતની દક્ષિણ-પૂર્વે આવેલો ડાંગ જિલ્લો એક આગવી સંસ્કૃતિ અને સૌંદર્ય ધરાવતો પ્રદેશ છે. આજના અત્યાધુનિક થતાં જતાં જગતમાં હજીએ ત્યાં પ્રાગ-ઐતિહાસિક અનુભવો સાંપડે, એવું જંગલ, પશુ-પક્ષીઓ અને પર્વતમાળાથી શોભતો આ પ્રદેશ જો જૂઓ તો પહેલી જ નજરે પ્રેમમાં પડી જાવ એવો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ ભુત છે. ખાસ કરીને જૂન માસથી શરુ કરીને ઓકટોબર-નવેમ્બર સુધીના સમયગાળામાં અહીંની વનશ્રી એની સોળેકળાએ હોય છે. અહીં થોડી વધારે માનવવસ્તી અને રહેવાલાયક શહેરોમાં સૌથી પહેલું આવે ગુજરાતનું એક માત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા. ત્યાં મ્યુઝિયમ, બોટિંગ, રાઇડિંગ, રોપ-વે અને ઉત્તમ હોટેલોની વ્યવસ્થા છે. ત્યાં તમે આધુનિક એવી તમામ સગવડો મેળવી શકો ને સાથોસાથ મેળવો પ્રાકૃતિક માહોલ. ત્યાં રહીને ડાંગના મુખ્ય ધોધ, જંગલો, પર્વતો અને વાંસવનમાં ઘૂમવાનો આનંદ સરળતાથી મેળવી શકો.

આ પછીનું સ્થળ છે જિલ્લા મથક આહવા. અંગ્રેજોએ વસાવેલ આહવામાં ખાસ તો સરકારી કચેરીઓ, અને એની આસુશંગિક વસાહતો છે. રહેવા માટે અને સરકારી વાહન વ્યવહાર મેળવવા માટે પણ આ સ્થળ સુગમ પડે. અહીંથી ડાંગના મહત્વના સ્થળો જે ભરપૂર વનરાજિઓ અને પર્વતોથી ઘેરાયેલા છે તે જોવા માટે કલાક-બે કલાકના અંતરે એટલે કે 60-70 કિ.મી.ના અંતરે મેળવી શકો.
આ ઉપરાંત હાઇ-વે પર સ્થિત એવું વઘઇ પણ મહત્વનું ગામ ગણી શકો. ત્યાં નેચર પાર્ક, ગીરા ધોધ અને બોટનિકલ ગાર્ડન આવેલા છે.
આ થઇ અહીં આવીને ફરવા ઇચ્છતા લોકો માટેની વાત.
હવે થોડી ડાંગ વિશેની સામાન્ય વિગતો આપું છું.
રામાયણ અને મહાભારતમાં દંડકારણ્યના ઉલ્લેખો છે. સીતાજીની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણને આ જ દંડકારણ્યમાં શબરીનો ભેટો થયેલો. મહાભારતની દાંગવાખ્યાનની કથા જાણીતી છે. અહીં પાંડવગુફાઓ આજે પણ ઊભી છે તમારા આવવાની રાહ જોતી. સહાદ્રિની આ પર્વતમાળાઓ આજેય એના પેટાળમાં કેટલીએ કથાઓ, પ્રસંગો અને વનશ્રી સાચવીને બેઠી છે. આ પ્રદેશમાં પૂર્ણા, ખાપરી, ગીરા અને અંબિકા જેવી મોટી અને અઢળક કહી શકો એટલી નાની નાની નદીઓ વહે છે. ડાંગનું કુલ ક્ષેત્રફળ છે 1768 કિલોમિટર અને 311 જેટલા ગામો છે. એ દરિયાની સપાટીથી 4321 ફૂટની ઊંચાઇ ધરાવે છે. ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં ગાઢ જંગલો આવેલા છે. ઇમારતી લાકડું અને વાંસ મુખ્ય છે. એની આ સાગ અને વાંસની સમૃદ્ધિના કારણે જ એ અંગ્રેજોની નજરે ચડ્યો ને અહીંના પાંચ જેટલાં રાજવીઓ પાસેથી ભાડાપટ્ટે જમીન લઇ તેમણે ડાંગમાં સડક અને વઘઇ સુધી નાની લાઇનની ટ્રેન પટરી તૈયાર કરી હતી. 1818માં સૌ પહેલીવાર અહીં અંગ્રેજો આવે છે ને પચાસેક વર્ષમાં વહિવટ-વ્યવહારો શરુ થયા હોવાના આધારો મળે છે.

ગાઢવી,આમલા,દર્ભાવતી, વાસુરણા, પિંપરી, શિવબારી, ચીંચલી,-ગાદડ,અવયર, પીંપળાઇ દેવી, વાડિયા વન, પળસ-વિહિર, બિલબારી,ઝરી, ગારખડી જેવાં નાનાં મોટાં રાજ્યો હતા. આ બધાનો સમુહ એટલે ડાંગ. આજે પણ આમાંના ચાર રાજાઓ અને અગિયાર નાયકોને આઝાદી પછીના વર્ષોથી સાલિયાણારુપ પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. હોળીના પર્વ ઉપર ડાંગ-દરબાર યોજવામાં આવે છે. એ ઉત્સવનો માહોલ પણ માણવાલાયક પ્રસંગ છે.

અહીંના ઉત્સવો, ધાર્મિક પરંપરાઓ અને રીત-રિવાજો સ્વભાવિક જ જૂદાં અને નિરાળાં છે. એની વિગતે વાત હવે પછી કરતો રહીશ. આ કોઇ સંશોધન નથી. જાત અનુભવે મળેલી માહિતીઓ છે. ડાંગના જંગલો ખૂંદીને મેળવેલી તસ્વીરો અને માહિતીઓ અહીં મુકવાનો પ્રયાસ છે. હજી તો પાશેરામાં પહેલી પૂણી – જેવી વાત છે. અહીંની વિવિધ બોલીઓ, આદિવાસી લોકોની વિવિધ પ્રવૃત્તિઓ, અહીંના લોકનજરથી બચેલા પ્રાકૃતિક સ્થળો, પશુ-પંખીઓ, વન્ય-જીવો, અજાયબ સૃષ્ટિનો ભાસ કરાવતાં નિશાચર જીવ-જંતુઓ- ખાસ તો નાનાં આગીયાઓની સૃષ્ટિ નિરાળી અને મનમોહક છે. આ બ્લોગ પર એની તસ્વીરો અને માહિતી મુકવાનો પ્રયાસ છે. આશા રાખીએ છીએ કે અન્ય પ્રકૃતિ પ્રેમીઓ, ડાંગના પ્રેમમાં પડેલા લોકો પણ માહિતીઓ, તસ્વીરો મોકલશે. જેથી ડાંગ વિશેની જાણકારીને વધુ સઘન બનાવી શકીએ, વધારે સમૃદ્ધિને જાણી અને માણી શકીએ.

આવો હાથ મિલાવીએ..
Naresh Shukla

No comments: