Thursday, October 16, 2008

પરંપરા દિવસ- સાપુતારા

મિત્રો,
તા.14 અને 15 ઓક્ટોબર 2008ના રોજ ગુજરાતના ખ્યાતનામ ગિરિમથક સાપુતારામાં આદિવાસી અકાદમી, તેજગઢ અને ગુજરાત સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે પરંપરા દિવસની ઉજવણી અને ભાષા કેન્દ્રી પરિસંવાદ યોજાયો હતો. આહવાની સ્ટેટ બેંકમાં ફરજ બજાવતાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાહ્યાભાઇ વાઢુ અને પ્રા. વિક્રમ ચૌધરીએ આખાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ તથા લોક કલાકારો એમ કરીને કુલ બસોથી ઉપરની સંખ્યામાં ત્યાં એકઠા થયાં હતાં. વિલિન થતી જતી આદિવાસી ભાષા, સાહિત્ય અને મૌખિક પરંપરાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી. મુખ્ય ધારાના પ્રભાવ હેઠળ સદીઓ જૂની આ મૌખિક સાહિત્યની પરંપરા લૂપ્ત ન થઇ જાય તે માટે મથતાં ડો. ગણેશ દેવી, કાનજી પટેલ, અશોક ચૌધરી, ડાહ્યાભાઇ વાઢુ, વિક્રમ ચૌધરી, બાબુભાઇ ગામીત, જેવા વિદ્વાન, જાગૃત સંશોધકો, સંપાદકો અને સંવર્ધકોએ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી. બીજા રાજ્યમાંથી આવેલા ભાષાશાસ્ત્રી ડો. સુખચન્દાનીના વિચારો વધારે સ્પષ્ટ, અનુભવસિદ્ધ હતા. સાહિત્ય પરિષદે નગર છોડીને છેવાડાના જન સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે એ આ કાર્યક્રમથી સિદ્ધ થતું હતું. જો કે, મુખ્ય સાહિત્યકારોની ગેરહાજરી પણ વર્તાતી હતી. તેમ છતાં રાજેન્દ્ર પટેલ, પ્રમુખશ્રીની અવેજીમાં પધારેલા વયોવૃદ્ધ અને પ્રસિદ્ધ કવિ-લેખક શ્રી ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, જનક નાયક હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ મને લાગી હોય તો તે હતી ત્રણેક બેઠકોમાં રજૂ થયેલી આ પ્રદેશની પરંપરાગત વાર્તાઓ. હાવભાવ સાથે, લોક લ્હેકામાં, થોડા અભિનય સાથે, અવાજના વિવિધ આવર્તનો અને આરોહ-અવરોહ સાથે રજૂ થયેલી કોંકણી, ગામીત અને ચૌધરી બોલીની વાર્તાઓ. એમાંય મનોજભાઇ ચૌધરી (વેડછી)એ તો રંગ રાખ્યો. એક લોક-વાર્તા અને એક લિખિત પરંપરાની વાર્તાઓ રજૂ કરવામાં આવી. એના પર પછી આછી પાતળી ચર્ચાઓ પણ કરવામાં આવી. જો કે, સ્વભાવિક જ સૌને એ પરંપરાને સાચવવાની ઇચ્છા હતી પણ સ્પષ્ટ માર્ગ નહોતો. એને લિપિબદ્ધ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ છે જ. એને ઓડિયો-વિઝ્યુઅલમાં જ સાચવી શકાય- એવું મેં સૂચન કર્યું હતું. બાકી બદલાવને અટકાવવો શક્ય નથી. નવી પેઢી બેદરકાર છે કે નહી એ જોવા કરતાં એ કઇ રીતે વર્તમાનમાં ય શ્વસી શકે તે જ વિચારવા જેવું છે. મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે ડાયરાઓ, ગરબા અને અન્ય પ્રસંગોએ સાચવવાની મથામણ છે એવી સભાનતા આ પ્રદેશમાં ઓછી છે. એ જગવવા જેવી છે. ડો. દેવીએ પોતાના ઉદેશો સ્પષ્ટ કરતાં કહ્યું કે ભારતમાં આસરે 1500 જેટલી ભાષાઓ એવી છે જેને બોલી ગણીને માર્જિનાલાઇઝ્ડ કરવામાં આવી રહી છે. કરોડ ઉપર બોલનારાંઓની સંખ્યા ધરાવતી આદિવાસી બોલીઓને સંવિધાનમાં સ્વીકાર કરાવવાથી જ આઝાદ દેશમાં આદિવાસીઓને નાગરિકત્વ મળ્યું ગણાશે.
એમને એમની માતૃભાષામાં શિક્ષણ મળે.. આદિવાસી યુનિવર્સિટીઓ હોય, એમને ભલે લિપિ કોઇપણ આપો પણ ભાષા તો સાચવવી જ પડે.વગેરે વગેરે.. બધાં જ આદર્શોને વાસ્તવમાં પલટવા સહેલા નથી હોતા, વળી ઘણીવાર સાચા પણ નથી હોતા. કંઇક નવા વાડા રચાય તેવું પણ બને. ખેર, ડો. સુખચન્દાનીએ પોતાનો અનુભવ કહ્યો કે હું 22 વર્ષનો હતો ત્યારે પત્રકાર હતો અને આ જ રીતે સિંધી ભાષાને દરજ્જો આપાવવાના આંદોલનમાં સક્રિય બનેલો. અમને પણ હતું કે કેન્દ્ર સરકાર સિંધી ભાષાને સત્તાવાર ઘોષિત કરશે એટલે સિંધિઓનો વારસો સચવાશે. પણ આજે આટલા વર્ષે મને લાગે છે કે, એવું નથી થયું. કેટલાક લોકો ચોક્કસ ઉપર ઊઠી આવ્યા આ આંદોલનમાંથી, બાકીનાની હાલતમાં કોઇ ફેર નથી. સૌ પોતાના ચૂલા સળગાવીને બેઠા હોવાનું દેખાયું છે મને. એટલે મને લાગે છે કે, આવી માગણીઓ કરતાં આત્મવિશ્વાસ જાગે, આપણે જ આપણું ગૌરવ કરતાં થઇશુ તો આપો આપ સૌ સ્વીકાર કરશે..
જો કે, જે કિનારો છોડે છે એને જ ક્યારેક ક્ષિતીજ સુધી પહોંચવા મળે છે. એ ય હકીકત છે. દસ-બાર વર્ષથી ડો. દેવી અને એમના સહમિત્રો મથી રહ્યાં છે, ફળ તો ચોક્કસ મળશે. જો કે, એમના ફળ છેવાડાના જન સુધી પહોંચે ત્યારે જ સિદ્ધિ ગણાય.
સામે એ પણ હકીકત છે કે ઘોડાને તળાવ સુધી લઇ જઇ શકાય. પાણી ન પીવડાવી શકાય. જો એને તરસ ન હોય તો. આશા રાખીએ કે સામાન્ય કે છેવાડાના કહીએ છીએ એ જનને પણ તરસ લાગે. હોંશ જન્મે અને દોડવાનું નહીં તો ચાલવાનું ય શરુ કરે.. જો કે, એ માટેનું વાતાવરણ સર્જવાની આપણી સૌની ફરજ છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જન્મશે તો અવશ્ય આદર્શો વાસ્તવમાં પલટાશે. વિકાસ પણ કેટલાકનો નહીં, સમુહનો થશે.
અન્યથા,
એક ઔર કારવાં ચલ પડા હૈ...

1 comment:

Anonymous said...

ડાંગ જિલ્લો તથા ત્યાના સ્થાનિક લોકો, વળી તેઓની ભાષા બોલી, અને પરંપરા, તેમના પરંપરા સાચવવા મથતા આ લોકો. આમતો ખાલી ડાંગ જ નહીં સમગ્ર આદીવાસી લોકોની પંરપરાને જાળવવા મથતા લોકો. સાથે બેસી ને સાહિત્યની તેમના પોતાના સાહિત્યની અને સંસ્કૃતિ ની ચિંતા કરવા એકઠા થયા હોય ત્યારે તેમનો પરંપરા પ્રેમ ખીલી ઉઠે એ સ્વાભાવિક છે. તેમના સાહિત્યની વાતોની આછેરી ઝલક જાણવા મળી તો આંનંદિત થઈ જવાયું. આ સંસ્કૃતિને, આ વારસાને જાળવવા મથતા લોકોને શુભેચ્છા. તથા માનસિક સહયોગ પણ અમારો ખરો...
આ લેખ દ્વારા અમારા સુધી આંદોલનને પહોચાડવા બદલ નરેશ શુક્લનો પણ આભાર માનવાનું મન થાય. આધુનિક કોક્રિટના જંગલોમાં રહેતા લોકો માટે કુદરતી જંગલના ખોળે ઉછરેલા લોકોની વાતો પહોચાંડી.
ખુબ મજા આવી.
પંકજ શુક્લ
ખરેખર