Friday, October 3, 2008

ડાંગી ભોજન...

ડાંગમાં કયા પ્રકારનું ભોજન લેવાય છે ? એવો પ્રશ્ન ઘણીવાર કેટલાય મિત્રોએ કરેલો.
અહીંના લોકોમાં મિશ્રાહાર પ્રચલિત છે. એમને વન, પર્વતો અને નદી જે કંઇ આપે છે તે ખાય છે.
નાગલી, મકાઇ, ચોખા, શાક-ભાજી, વેલા-પાંદડા, જેવો શાકાહાર ઉપરાન્ત મરઘાં, બકરાનું, કોળ અને પક્ષીઓ પણ ક્યારેક ખોરાકમાં લે છે. જો કે સામાન્ય રીતે ઇંડા,નદીની માછલી, કરચલા ખાય છે. !

આમ તો, અહીંના રુટિન ભોજનમાં હવે જમાનાના બદલાવની સાથે ઘણો બદલાવ આવી ગયો છે. છતાં નાગલીના રોટલાનું સ્થાન અકબંધ છે. આ ઉપરાન્ત ચોખાના રોટલા પણ હજી એટલા જ ખવાય છે. એ બે રીતે બનાવવામાં આવે છે, એક પાતળા ને કંઇક અંશે ઢોંસાને મળતા આવે એવા અને બીજા જાડી રોટલી જેવા રોટલા. આ ઉપરાન્ત અહીં જુવાર અને ઘઉંનું ચલણ પણ થોડું થોડું છે. એની સાથે લસણ અને ડુંગળી-મરચાંની ચટણી. શાક ઓછા ખવાય છે અને જે ખવાય છે તેમાં તેલનો ઉપયોગ નહિવત્ હોય છે. જંગલી અને સાદા કંદનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જંગલી કંદની એ વિશેષતા છે કે એ એમ જ ખાવામાં કડવા અને ઝેરી હોય છે પણ એને બાફીને રાત આખી વહેતા ઝરણાંની પાણીમાં ઝબોળી રાખવામાં આવે એટલે એની કડવાશ અને ઝેરી અસર જતી રહે ..! ત્યાર પછી એ ખાવા યોગ્ય બને છે.. સાદા કંદનું તો બટાટાની જેમ જ શાક બનાવવામાં આવે છે.

નાગલીની સાથે પ્રચલિત છે ભૂજીયુ.

આ ભૂજીયુ- એ પહેલી નજરે પ્રચલિત ભજીયા હોવાની અપેક્ષા જન્માવે પણ એવું નથી. અડદને બરાબર શેકીને એને દળવામાં આવે છે. એના લોટમાં લસણ-મરચાંની ચટણી ઉમેરીને એને બરાબર ઘૂંટવામાં આવે છે. એને અહીં ભૂજીયાના નામે ઓળખવામાં આવે છે. એના કેટલાક સિદ્ધહસ્ત લોકો હોય છે તેના હાથનું ભૂજીયુ અનેરો સ્વાદ આપે છે.

ડાંગમાં સાગની સાથે જ ફૂટી નીકળેલા વાંસનું બહુ મહત્વ છે. વાંસના ઉપયોગો તો કેટલા બધા છે. પણ વાંસનો સાવ નવો અને આપણે ભાગ્યે જ એવો ઉપયોગ વિચાર્યો હોય તે છે વાંસદીનું શાક. એના અથાણાં પણ હવે તો બજારમાં મળવા લાગ્યાં છે. લીલાં કૂમળા વાંસના કોંટા ફૂટે એ એકદમ સોફ્ટ હોય તેને વનવાસીઓ તોડી લાવે છે. છીણી કે કટકા કરીને કૂકરમાં બરાબરના બાફવામાં આવ્યા પછી એ ખાવા લાયક બને છે. એમાં પણ પેલી અહીંની ચટણી ભેળવે એટલે પંજાબી પનીરનું શાક ખાતા હોય એવો અવર્ણનીય આનંદ મળે. એની સાથે ચોખાના રોટલો, કાકડી-ટમેટા અને દેશી ચોળીના દાણાનું સલાડ...!

આહવાથી પંદરેક કિલોમિટર દૂર ચીકટીયા કરીને ગામ છે, એના પડખામાં આવેલ ગર્ય કરીને નાનકડાં કસબામાં યસુભાઇ અને કુસમબેનનો નાનકડો મજાનો પરિવાર રહે છે. નાની ખેતી, નાનું ઘર, માપસરનું ભણતર ને મોટું જીવનઘડતર પામેલા આ પરિવારમાં ભળી જવાયું છે બે ત્રણ વખતની મુલાકાતમાં જ. એક બાજુ નદી વહે છે, ફરતાં વાડી-ખેતરો લ્હેરાય છે, ઘરમાં દાડમ, કેળા, ફણસ, કાકડી, કારેલા, કાકડી, કંદ, બીજા શાકના વેલાઓ છવાયેલા છે. ગાય અને ભેંસ, દોડાં દોડ કરતાં મરઘાં અને પીલ્લાઓ, એક બીલાડો નામ છે રાજા..! એની જોડી હતી પણ ગયા અઠવાડિયે જ એમની ઓસરી સુધી આવીને રાત્રે એક દિપડો એને ઊઠાવી ગયો. યસુભાઇ લાકડી લઇને થોડું પાછળ પડ્યા પણ એ દીપડો પોતાના શિકારને એમ આસાનીથી થોડો છોડી દે..! એટલે જોડી થઇ ગઇ ખંડિત.
એમને ત્યાં બેસીએ એટલે ઘણાં લોકોનો સંપર્ક થાય કેમકે, સાઇડ બિઝનેશ તરીકે નાનકડી હાટડી પણ ચલાવે છે. આજુબાજુના લોકોની જરુરીયાત મૂજબની ચીજ-વસ્તુઓ ત્યાંથી મળે. પચાસ ગ્રામ તેલ કે પાંચ-દસ ચમચી ચાની ભૂકી લઇ જતાં ગરીબ નિવાસીઓને જોઇને અહીંનો સાચો ચિતાર મળે..! નાનાં નાનાં બાળકો બીડી, તમાકુ ને પડીકીઓ લેવા આવતા હોય., એમનું જીવન કુદરતની નજીક છે ને સાથો સાથ માનવોએ સદીઓથી અર્ચીત કરેલી બદીઓની પણ એટલા જ નજીક છે.
વાંસદીનું શાક ને ચોખાના રોટલાનો સ્વાદ અપૂર્વ હતો. એમણે જે પ્રેમથી જમાડ્યા એ પણ યાદગાર રહેશે.
એમની ભાષાનો લ્હેકો અને ઓછા શબ્દોમાં ય સૂચવાતો આતિથ્ય ભાવ આપણને હ્યદયમાંથી ક્યારેય નીકળી શકે નહીં એવો મજબૂત હોય છે...!
ઘરે જવા પાછા ફર્યા ત્યારે અંધારાઓ ઉતરી રહ્યાં હતા. ડુંગરો શાન્ત થઇ ગયેલા ધ્યાનમાં ગરક થવા જતાં હોય તેમ.
ક્યાંક ક્યાંક આગીયાઓ એમની લાઇટ ઝબકાવી જતાં હતા ને હુમલો કરવા સામા ધસી આવતાં કિટકોનો તો અહીં પાર જ નથી. બચવું મુશ્કેલ છે..! પણ મજાનું છે.

No comments: